શું ખાધાખોરાકી આપ્યા વિના છૂટાછેડા શક્ય છે? (Is divorce possible without paying alimony?)
(આ કોઈ કાયદાકીય સલાહ
નથી. અહીં ટાંકેલી માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે, જે-તે
વેબસાઇટની લિન્ક દર્શાવેલ છે. કોઈપણ કાયદાકીય નિર્ણય લેતા પહેલા વકીલ અને જાણકારની
સલાહ લેવી. નીચે ટાંકેલા મુદ્દા સર્વસામાન્ય છે. અપવાદ બધે હોય.)
ઘણાં કિસ્સા એવા પણ જોયા છે, જ્યાં ભરણપોષણ આપીને પણ જૂનું પાત્ર પૂર્વ
પતિની બુરાઈ કરવાનું ચૂકતું નથી. દર મહિને ખાધાખોરાકી વસૂલી, એ જ પૈસે
સંબંધીઓને ચા પર બોલાવી મેરીગોલ્ડ બિસ્કીટ ઉલાળતા પૂર્વપતિની ખોદણી કરવામાં આવતી
હોય છે. બીજું કોઈ કામ તે બાઈને હોતું નથી. ઘરનું ગુજરાન ફારગતી કે પિતાના પૈસાથી ચાલતું હોય. ઘરકામ કામવાળા બેન કરી આપે. દર મહિને હપ્તા(ભરણપોષણ)ના પૈસાથી કામવાળા બેનને પગાર ચૂકવવામાં આવે. તો
જીવનમાં બચ્યું શું? કયા કર્તવ્યો
કરવા? આ ભવમાં માણસ
તરીકે જનમ લઈ હવે તેનો હેતુ શું બચ્યો? જવાબ.ભૂતપૂર્વ પતિને વગોવવું. આ એકમાત્ર વગોવવાના
ઉદ્દેશ્યને તે બાઈ તન, મન અને લગનથી પાર પાડવા
મંડી પડે છે. તે બાઈ માટે કમાનાર પૂર્વપતિને પ્રશ્ન થાય “હું કોના
માટે જીવું છું સરકારના ટેક્ષ માટે કે વસૂલી(ખાધાખોરાકી) માટે?” મેડમ હપ્તાની વસુલાત કરી મેનીક્યોર પેડીક્યોર
કરાવે, વાળ સ્ટ્રેટ કે કર્લી કરાવે, સ્ટાઇલિશ બ્રા
અને પેન્ટી ખરીદે. જે એના પૂર્વ પતિને કદી જોવા નહીં મળે. ઓસ્ટ્રેલિયન ગાયિકા સિયા(Sia)એ તેમના એક ગીતમાં આ વર્તનને વર્ણવતા ગાયું છે:
“No, I ain't got cash, I ain't got cash
But I got you, baby”
અર્થાત ના, મારી પાસે રોકડા નથી,
મારી પાસે રોકડા નથી પણ બેબી, મારી પાસે તું છો! તો તમે સમજી
શકો છો બેબી શું કહેવા માંગે છે.
પહેલાંના સમયમાં રાજાઓ તેમની બહુ બધી રાણીઓના કક્ષમાં સર્વ
સવલતો પૂરી પાડતા પણ ભાગ્યે જ રાણીને મળવા જતા. એ રાજાશાહી હતી. રાજાને એવું બધું
પરવડે. આજના સમયમાં, આવી
અર્થવ્યવસ્થામાં મધ્યમવર્ગીય પુરુષ માટે પોતાના ઘરનું પૂરું કરતા કરતા કમર કસી હતી
હોય ત્યાં મેનીક્યોર પેડીક્યોર કે વાળ કર્લી કરવાના પૈસા આપવા પડે તો કેવો જુલમ
લાગે. આ લેખ એ મધ્યમવર્ગીય પુરુષો માટે છે. જેમના લગ્ન નથી થયા. પરણિત લોકો માટે
દુઃખના સમાચાર છે કે તેઓ માટે ઉપયોગી થાય એવું સોલ્યુશન આ દેશમાં નથી. હા, તમે વિદેશ જતાં
રહો તો ભરણપોષણથી બચી શકો, એના સિવાય છૂટકો
નથી. જેમના લગ્ન નથી થયા તે પુરુષોએ લગ્ન સંબંધમાં
જોડાતા પહેલા આ બાબત પર ધ્યાન રાખવું:
Prenuptial Agreement (Prenup): પ્રિનપ કરાર એક એવો લેખિત કરાર છે, જે પરણ્યા પહેલા લગ્ન ઇચ્છુક પુરુષ-સ્ત્રી
કરી શકે છે. આ કરાર હેઠળ દંપતિ તેમના કાયદાકીય અધિકારો નિયંત્રણ કરી શકે છે.
મૃત્યુ, નાદારી કે છૂટાછેડા પછી પોત-પોતાની ધન-સંપત્તિનું
શું કરવું? અથવા એવા સંજોગમાં શું પગલાં લેવામાં આવી શકે? તે અંગે કરાર બનાવી શકાય છે. ભારતમાં પ્રિનપ કરાર ઓછો પ્રચલિત છે અને જૂજ
લોકો જ તેનાથી માહિતગાર છે. પ્રિનપ પ્રચલિત ન હોવા પાછળ કેટલાક કારણ જવાબદાર છે.
એક: આવા કરાર ભારતમાં ઓછા થાય છે. બે: સરકાર તેને સંપૂર્ણ રીતે કાયદેસર ગણતી નથી.
(છતાં, આ કરાર અત્યંત મહત્વનો છે, તે
હું આગળ જણાવીશ) ત્રણ: પ્રિનપ કરાર જો વધુ ઉપયોગમાં આવે તો છૂટાછેડાના વકીલોને
નુકશાન જાય, જેથી તેઓ આ રસ્તો કોઈને વરતાવતા હોતા નથી.
હિન્દુ મેરેજ એક્ટ હેઠળ
પ્રિનપ કરાર માન્ય ગણવામાં આવતો નથી. સમગ્ર ભારતમાં ગોવા જ એક એવું રાજ્ય છે જ્યાં
પ્રિનપને માન્ય ગણવામાં આવે છે, કારણ
ગોવામાં પોર્ટુગીઝ નાગરિક સંહિતાને અનુસરવામાં આવે છે. માટે જે અપરણિત લોકો લગ્ન
કરવા ઇચ્છતા હોવ, પોતાની સંપત્તિ અને માલ-મિલકત સલામત રાખવા
માંગતા હોવ તો લગ્ન કરતા પહેલા તમારા ભાવિ જીવનસંગી સાથે ગોવા જઈ પ્રિનપ કરાર
કરાવી લેવો.
પ્રિનપ કેમ જરૂરી: તમને એમ
થાય લગ્ન પહેલા આવા કરાર કરવાથી પાત્ર અને તેના પરિવાર સાથેના સંબંધમાં ખટાસ આવી
શકે છે. સંબંધમાં શંકા અને અસલામતીનું બીજ રોપાઈ શકે છે. આ કારણથી અને લાગણીમાં
ઓતપ્રોત થઈ, નજીવા સમયમાં ભાંખી
શકાતી ખુશીઓની ભ્રામકતામાં દંપતિના લગ્ન મંડાય છે. શરૂઆતમાં એકબીજા વિશે જે વાતો ન
હતી ખબર અથવા જે બાબતો વાંધાજનક ન હતી લાગતી. એમાં વાંધો લાગવા લાગે છે અથવા અન્ય
સમસ્યા ઊભી થઈ જતી હોય છે. સામ-સામે તકરાર, કજિયો-કંકાસ, બોલા-અબોલા અને સંબંધમાં વિખવાદ ઊભો થાય છે, ત્યારે
છૂટાછેડાનો વિકલ્પ નજરે આવે છે. ‘ને આ વિકલ્પમાં પુરુષની
માનસિક સ્થિતિ સાથે આર્થિક સ્થિતિ પર પણ માઠી અસર પડે છે. છૂટાછેડાના પરિણામો બંને
પાત્રોને આખી જિંદગી અસર કરે છે. એક જ વખતમાં ફાઇનલ સેટલમેન્ટ કરવાનું હોય તો પણ
અથવા તો ખાધાખોરાકી દર મહિને આપવાની થાય તો પણ. એકવારમાં સેટલમેન્ટ કરી દે તો લોકો
વાતો કરે “મુરતિયા પાસે પૈસા તો બહુ છે પણ તમારી છોકરીને ખુશ રાખશે કે કેમ? કે તમારી છોકરીને પણ અગાઉ વખતની પત્ની જેમ છૂટી કરી દેશે? વિચારો.” અને જો દર મહિને ખાધાખોરાકી આપવાની થાય તો પણ લોકો ટીકા કરે:
“જોવો, આની હરકત! બૈરું સાચવતા ના આવડ્યું અને ફરી પૈણવા
હાલ્યો, હજુ સુધી ખાધાખોરાકી આપે છે!” આવી વાત કોઈકના કાને
પડે એટલે મિશન ફેઈલ! કોઈ જલ્દી વાત ના બતાવે. ભારતમાં
છૂટાછેડા લીધેલ વ્યક્તિના ફરી લગ્ન વખતે ઘણા સંદેહ અને પ્રશ્નો ઊભા થાય છે.
મુરતિયો પૈસાદાર અને આબરૂદાર ઘરનો હોય તો એટલો વાંધો આવતો નથી પણ મધ્યમ વર્ગ –
નિમ્ન મધ્યમ વર્ગના મુરતિયાને કન્યા મળવી મુશ્કેલ થઈ જાય છે અને જીવનભર ડિવોર્સી
હોવાનો કલંક માથે લાગી જાય છે. ભલે, ડિવોર્સમાં તેનો વાંક
હોય કે ન હોય.
પ્રિનપ કરવાથી દંપતિના
જીવનમાં આવતો બદલાવ: જો પ્રિનપ કરવા બંને પાત્રો રાજી થાય તો તે સંબંધ દ્રઢ અને
પ્રામાણિક બની જાય. પ્રિનપ કર્યા પછી સાથે રહેવાનો હેતુ શું? તે સ્ત્રી અથવા યુવતી તે પુરુષ અથવા યુવક
સાથે લગ્ન કરવા રાજી થઈ છે, એ સારી બાબત ન કહેવાય? પ્રિનપથી તે સાબિત કરે છે, તે પુરુષ સાથે લગ્ન પૈસા
કે સંપત્તિ માટે નથી કરી રહી. તેના વ્યક્તિવ માટે પ્રેમ કરી રહી છે. શું એવું ના
માની શકાય? બીજી તરફ તે પુરુષની પણ ફરજમાં આવે છે, તેની ભાવિ પત્નીની કદર કરવી જ પડે. જે જાણી-સમજીને તેની સાથે લગ્ન કરવા
રાજી થઈ છે કે, ભવિષ્યમાં જો છૂટાછેડા થયા તો એને એક પૈસો પણ
મળશે નહીં. મિલકતમાં ભાગીદાર નહીં થઈ શકે. આ વાત જાણીને જો કોઈ સ્ત્રી કોઈ પુરુષને
પરણવા ઇચ્છતી હોય તો હું માનું છું તે પુરુષ ખૂબ જ ભાગ્યશાળી છે અને એવી સ્ત્રીને
માન-સન્માન અને સ્નેહથી હંમેશા ઘેરેલી રાખવી જોઈએ. પ્રિનપથી સાબિત થાય છે તમે
તમારા પાત્ર સાથે તેના વ્યક્તિત્વના લીધે છો. આવા જ બે માણસો એકબીજા સાથે લગ્ન કરે
તો કલ્પના કરો તેમનું સંતાન કેવું પ્રામાણિક અને જવાબદાર બને. તેમના બાળકને મા-બાપનો પારસ્પરિક પ્રેમ (Mutual Love) અને પારસ્પરિક સમજણ (Mutual Understanding) મળશે. પ્રિનપ
હોવાથી સ્ત્રી પણ આત્મનિર્ભર અને સમર્થ બનશે. તેના પતિની મિલકતમાં તેનો કોઈ હક નથી, તે જાણીને તે પોતાના માટે પૈસા કમાઈ શકે. બાળકની જવાબદારી તેના એક પર
નહીં આવે. પોતાની આગવી સંપત્તિ ઊભી કરી શકે. શું આ પ્રિનપનો ફાયદો ના ગણી શકાય? જો ભવિસ્યમાં કઈ અણબનાવ થાય તો તે સ્ત્રી નિરાધાર નહીં બને અને પોતાના
જીવનમાં હેમખેમ રહી શકશે અને બાળકને પણ સારું જીવન પ્રદાન કરી શકશે. પ્રિનપથી ફક્ત
પુરુષની સંપત્તિ જ સલામત નથી બનતી. પ્રિનપથી આપણે દેશનું ભવિષ્ય પણ લગભગ સલામત
બનાવી શકીએ છીએ. શું એવું કહેવું ખોટું તો નથીને? -કીર્તિદેવ
વધુ માહિતી
Prenuptial Agreement: https://en.m.wikipedia.org/wiki/Prenuptial_agreement#Legal_recognition
Hindu Marriage Act:
https://en.m.wikipedia.org/wiki/Hindu_Marriage_Act,_1955

Comments
Post a Comment